આઇપીએલની પાંચ ઓક્ટોબર 2020ના રોજ યોજાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ખેલાડી મોઇન અલીની વિકેટ લીધા બાદ દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ ઉજવણી કરી રહ્યા છે. (PTI Photo/Sportzpics for BCCI)

આઈપીએલ 2020 શરૂ થયાને લગભગ અઢી વીક થઈ ગયા છે અને મોટાભાગની ટીમ્સ પાંચ-પાંચ મેચ રમી ચૂકી છે ત્યારે સોમવારે દિલ્હી કેપિટલ્સ શાનદાર બેટિંગ અને પછી વેધક બોલિંગના જોરે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 59 રનના જંગી માર્જીનથી હરાવી ચાર વિજય સાથે ટોપ સ્પોટ ઉપર પહોંચી ગઈ હતી.

ટોસ જીતી બેંગલોરના સુકાની કોહલીએ દિલ્હીને બેટિંગ લેવા આમંત્રણ આપ્યું હતું, પણ તેનો એ જુગાર સફળ થયો નહોતો. દિલ્હીએ ચાર વિકેટે 196 રનનો પડકારજનક સ્કોર ખડકી દીધો હતો. એ પછી બેંગલોરની ટીમ 9 વિકેટે ફક્ત 137 રન કરી શકી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સના બંન્ને ઓપનર – શિખર ધવન અને પૃથ્વી શોએ દમદાર શરૂઆત કરી હતી. બંન્નેએ પાવરપ્લેમાં 63 રન કર્યા હતા. પૃથ્વી શોએ 42 અને શિખર ધવને 32 રન કર્યા હતા. સુકાની શ્રેયસ ઐયર ફક્ત 11 રન કરી શક્યો હતો, પણ એ પછી રીષભ પંત અને માર્ક્સ સ્ટોઈનિસે ધમાકેદાર બેટિંગ કરી હતી. પંતે 37 કર્યા હતા, જ્યારે સ્ટોઈનિસે અણનમ 53 કર્યા હતા.

જવાબમાં બેંગલોરની શરૂઆત જ ખરાબ રહી હતી અને બન્ને ઓપનર કઈં કરી શક્યા નહોતા. એ બી ડિવિલિયર્સ પણ નિષ્ફળ જતાં ટીમની હાલત ખરાબ થઈ ગઈ હતી અને કોહલીના 43 રન ટીમ માટે કઈંક રાહતરૂપ બન્યા હતા.
દિલ્હી તરફથી વેધક બોલિંગ કરતાં કાગિસો રબાડાએ 24 રનમાં ચાર વિકેટ ઝડપી હતી, તો અક્ષર પટેલ અને એન્રીક નોર્જેએ બેબે વિકેટ લીધી હતી.