બ્રિટનના હોટલ ક્ષેત્રના કેટલાક અગ્રણી શેફ્સે ગુરુવારે લંડનના સૌથી જૂના ભારતીય રેસ્ટોરન્ટમાંના એક, વીરાસ્વામીની તરફેણમાં લડત શરૂ કરી છે. લીઝ એક્સટેન્શનના વિવાદને કારણે વીરાસ્વામી માટે રીજન્ટ સ્ટ્રીટ ખાતેનું તેનું લંડનના હાર્દસમા, પ્રતિષ્ઠિત વિસ્તારમાંનું અસ્તિત્ત્વ ગુમાવવાનો ખતરો તોળાઈ રહ્યો છે.
‘ધ ટાઇમ્સ’માં ન્યૂઝપેપરમાં એક ખુલ્લા પત્રમાં, સાયરસ ટોડીવાલા, રેમન્ડ બ્લેન્ક અને મિશેલ રૂક્સ જેવા જાણીતા શેફ્સ અને રેસ્ટોરર્સે વિક્ટરી હાઉસના માલિક, ક્રાઉન એસ્ટેટને જવાબદારી સાથે નિર્ણય લેવા અપીલ કરી છે. આ મિશેલિન સ્ટાર રેસ્ટોરન્ટ એપ્રિલ ૧૯૨૬થી, લગભગ ૧૦૦ વર્ષથી ત્યાં કાર્યરત છે.
ગયા ઉનાળામાં, વીરાસામીના માલિકો MW Eat ને જાણ કરાઈ હતી કે તેમની લીઝ રીન્યુ નહીં કરાય કારણ કે ક્રાઉન એસ્ટેટ ઇમારતના ઉપરના માળ પરની ઓફિસો માટે ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનો રીસેપ્શન એરિયા વધુ મોકળાશભર્યો બનાવવા માંગે છે.
નામાંકિત શેફ્સે લખ્યું છે કે “આવી રેસ્ટોરન્ટ હટાવી તે જગ્યાને ઓફિસમાં રૂપાંતરિત કરવી તદ્દન અયોગ્ય મનાય, તે લંડનના રેસ્ટોરન્ટ ક્ષેત્ર અને આપણા પ્રવાસન અર્થતંત્ર બંને માટે એક મોટું નુકસાન બની રહેશે.
તેમણે અખબારમાં પ્રકાશિત તેમના પત્રમાં લખ્યું છે કે, “જે રીતે ક્રાઉન જાણે છે કે, વારસો અન્યત્ર ખસેડી શકાતો નથી, તે રીતે ઇતિહાસ પણ બદલી શકાતો નથી. વીરાસામીને જીવંત રાખવું એ ક્રાઉન માટે એક જવાબદારીપૂર્ણ કાર્ય છે, જે વિશ્વના મહાન ડાઇનિંગ અને પર્યટન શહેરોમાંના એક તરીકે લંડનની પ્રતિષ્ઠાનો હિસ્સો છે.”
ક્રાઉન એસ્ટેટની માલિકી બ્રિટિશ રાજાના “ક્રાઉનના અધિકારમાં” છે. તેનો અર્થ એવો છે કે રાજા તેમના શાસનકાળ દરમિયાન એસ્ટેટના માલિક હોય છે, જો કે એ તેમની ખાનગી મિલકત નથી. તેથી, તેઓ તેની સંપત્તિઓનું સીધું સંચાલન કે તેના વિશે નિર્ણયો લેતા નથી અને એસ્ટેટ તેનો નફો યુકે સરકારના ભંડોળમાં જમા કરાવે છે.
MW Eat ગ્રુપના માલિક રણજીત મથરાણી વીરાસ્વામી ઉપરાંત લંડનમાં અન્ય પણ લોકપ્રિય રેસ્ટોરેન્ટ્સનું સંચાલન કરે છે. વીરાસ્વામીની સ્થાપના ભારતના પ્રથમ ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ્સના મિલિટરી અને પ્રાઈવેટ સેક્રેટરી, જનરલ વિલિયમ પાલ્મરના પ્રપૌત્ર એડવર્ડ પાલ્મર તથા મોગલ રાજકુમારી ફૈસાન નિસ્સા બેગમે કરી હતી. રેસ્ટોરેન્ટનું પ્રથમ મેન્યુ તૈયાર કરતી વખતે એડવર્ડ પાલ્મર પોતાના વડદાદીથી ખૂબજ પ્રભાવિત હતા. મથરાણીના જણાવ્યા મુજબ વીરાસ્વામીના મહેમાનોની યાદીમાં સ્વ. મહારાણી એલિઝાબેથ બીજા, પ્રિન્સેસ એન તેમજ અન્ય વિદેશી શાહી પરિવારના સભ્યોનો પણ સમાવેશ થાય.












