ટી-૨૦ વર્લ્ડ કપની દુબઈમાં રમાયેલી ફાઇનલમાં રવિવારે ઓસ્ટ્રેલિયા એક તરફી બનેલા મુકાબલામાં ન્યુઝીલેન્ડને ૮ વિકેટે હરાવીને ટી-૨૦ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતું. (ANI Photo)

દુબઈમાં રવિવારે (15 નવેમ્બર) રમાયેલી ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ રોમાંચક મુકાબલામાં પરંપરાગત હરીફ ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવી રમતની આ સૌથી નાની, મર્યાદિત ઓવર્સની ફોર્મેટમાં પ્રથમવાર ચેમ્પિયનનો તાજ ધારણ કર્યો હતો. તો રનર્સ અપ ન્યૂઝીલેન્ડનું પણ આ ફોર્મેટમાં પહેલીવાર ચેમ્પિયન બનવાનું સપનુ રોળાયું હતું. ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરી ચાર વિકેટે 172 રનનો સંતોષકારક પડકાર તો હરીફો માટે ઉભો કર્યો હતો, પણ ઓસ્ટ્રેલિયન બેટર્સે તે ખાસ મુશ્કેલી વિના, ફક્ત બે વિકેટ ગુમાવી 1.1 ઓવર બાકી હતી ત્યારે હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે બીજીવાર ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ પછી તાજ હાંસલ કર્યો હતો, આ પહેલા 2010ના ટી-20 કપમાં ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાનો પરાજય થયો હતો.

ડેવિડ વોર્નરે 38 બોલમાં ત્રણ છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે 53 તથા મિચેલ માર્શે 50 બોલમાં ચાર છગ્ગા અને છ ચોગ્ગા સાથે 77 રનની શાનદાર બેટિંગ કરી ટાર્ગેટ હાંસલ કરવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. સુકાની ફિંચ ફક્ત પાંચ રન કરી શક્યો હતો.

ન્યૂઝીલેન્ડ તરફથી સુકાની કેન વિલિયમસન એકલવીર જેવો રમ્યો હતો, તેણે 48 બોલમાં ત્રણ છગ્ગા અને દસ ચોગ્ગા સાથે 85 રન કર્યા હતા.

વોર્નરની આ વર્લ્ડ કપમાં ત્રીજી અડધી સદી હતી. તેણે માર્શ સાથે બીજી વિકેટની ભાગીદારીમાં 92 રન કર્યા હતા. માર્શની આ વર્લ્ડ કપમાં બીજી અડધી સદી હતી. તેણે 31 બોલમાં અડધી સદી પૂરી કરી હતી.

ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડે વેધક બોલિંગ કરી 4 ઓવરમાં ફક્ત 16 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય એડમ ઝામ્પાએ 4 ઓવરમાં 26 રન આપી એક વિકેટ ખેરવી હતી. તો સ્ટાર્કે 4 ઓવરમાં એકપણ વિકેટ લીધા વગર 60 રન આપ્યા હતા.