ઇંગ્લેન્ડ સામે બુધવારથી હેડિંગ્લેમાં ચાલુ થયેલી ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ભારતની ટીમ માત્ર 78 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. Action Images via Reuters/Lee Smith

શનિવારે (28 ઓગસ્ટ) લીડ્સ ટેસ્ટમાં ભારતીય બેટ્સમેને ફરી એક વખત નાટકીય ધબડકા સાથે પરાજય વહોર્યો હતો અને શુક્રવારે જગાવેલી આશાઓ ઉપર પાણી ફરી ગયું હતું. ચોથા દિવસે ભારતે માત્ર થોડા જ રનના ઉમેરા સાથે બાકીની આઠ વિકેટ ગુમાવી દેતાં ઈંગ્લેન્ડનો ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે એક ઈનિંગ ને ૭૬ રને શાનદાર વિજય થયો હતો.
ભારતે ટોસ જીતી હેડિંગ્લીમાં પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય ખોટો સાબિત કરતાં ભારતીય ટીમ પહેલા જ દિવસે ફક્ત 78 રનમાં ઓલાઉટ થઈ ગઈ હતી. ફક્ત બે બેટ્સમેન – રોહિત શર્મા અને અજિંક્ય રહાણે બે આંકડાનો સ્કોર કરી શક્યા હતા, તે સિવાય એકસ્ટ્રા રન્સનું પ્રદાન બે આંકડામાં રહ્યું હતું.

ભારતીય બેટિંગ પુરી 41 ઓવર ટકી શકી નહોતી. ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસન અને ક્રેગ ઓવરટને 3-3 તથા ઓલી રોબિન્સન અને સેમ કરને 2–2 વિકેટ લીધી હતી, મોઈન અલીને એકપણ વિકેટ મળી નહોતી. અને પહેલા દિવસની રમતના અંતે તો ઈંગ્લેન્ડે વિના વિકેટે 120 રન કરી ભારત સામે સરસાઈ મેળવી લીધી હતી.

ઈંગ્લેન્ડ તરફથી બન્ને ઓપનર્સ સહિત ટોચના ચાર બેટ્સમેને રનનો ઢગ ખડકી દીધો હતો, કેપ્ટન જો રૂટે શાનદાર સદી કરી હતી. જો કે, પાછળથી ભારતીય બોલર્સને સફળતા મળી હતી અને દિવસના અંતે ઈંગ્લેન્ડના 8 વિકેટે 423 રન થયા હતા. ત્રીજા દિવસે ફક્ત 9 રનમાં ભારતે બાકીની બે વિકેટ ખેરવી નાખી હતી. મોહમદ શમીએ ચાર તથા બુમરાહ, સિરાજ અને જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી.

અને ભારતે મક્કમ નિર્ધાર સાથે ઈંગ્લેન્ડના બોલર્સનો બીજી ઈનિંગમાં સામનો કરતાં 345 રનની સરસાઈ સામે ત્રીજા દિવસે બે વિકેટે 215 રન કર્યા હતા. ખરાબ પ્રકાશના કારણે મેચ વહેલી અટકાવવી પડી હતી. ભારત તરફથી રોહિત શર્માએ 59 અને રાહુલે 8 રન કર્યા હતા, જ્યારે પુજારા 91 અને કોહલી 45 રન સાથે રમતમાં હતા.

પણ ચોથા દિવસે સવારે પુજારાની વિદાય સાથે ભારતના ધબડકાનો આરંભ થયો હતો અને 278 રનમાં તો ભારતની બીજી ઈનિંગ પુરી થઈ જતાં ઈંગ્લેન્ડે સરળતાથી વિજય હાંસલ કર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી ઓલી રોબિન્સને પાંચ તથા ક્રેગ ઓવરટને ત્રણ વિકેટ લીધી હતી. રોબિન્સનને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.