ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં પંજાબમાં એક સભાને સંબોધવા જઈ રહ્યા હતા ત્યારે તેમની સુરક્ષામાં ગંભીર બેદરકારી થઇ હોવાનું બહાર આવ્યું હતું. હવે આ મુદ્દે દેશનું રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પંજાબના મુખ્ય પ્રધાનનું રાજીનામુ લેવાની માગણી સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા. હવે આ મામલે જાણીતા રામાયણી કથાકાર પ. પૂ. મોરારિબાપુએ પણ પંજાબમાં બનેલી ઘટનાને લઇને દુઃખ અનુભવતા હોવાનો આ પત્ર વડા પ્રધાનને પાઠવ્યો છે.
પ. પૂ. મોરારીબાપુએ પત્રમાં લખ્યું છે કે, ‘રામ’, દેશ અને દુનિયામાં વરિષ્ઠ અને બલિષ્ઠ રાજપુરૂષ અને ભારત વર્ષનાં આદરણીય તથા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી! જય સિયારામ! પંજાબમાં બનેલી ઘટનાથી પીડા અનુભવી છે; પરમાત્મા સૌને સદબુદ્ધિ આપે. આપ આપણાં દેશના પ્રધાનમંત્રી છો, એની સાથેનો જે વ્યવહાર થયો તે ખૂબ જ અપ્રિય ઘટના છે. ખેર! પરમાત્મા આપને રાષ્ટ્રની અને દુનિયાની સેવા માટે વધુ ને વધુ શક્તિ-બળ-તંદુરસ્તી અર્પણ કરે એવી હનુમાનજીના ચરણોમાં મારી અંતઃકરણપૂર્વકની પ્રાર્થના! મારી રામકથાની વ્યાસપીઠ સાથે જોડાયેલાં સૌ ભાઇ-બહેનોની પ્રાર્થના. રામ સ્મરણ સાથે.. રામકથા-જયપુર.. મોરારીબાપુ.