NHS લંડનના મેડિકલ ડિરેક્ટર ડૉ. ક્રિસ સ્ટ્રીથરે લંડનના રહેવાસીઓને ચેતવણી આપી છે કે જો તેઓ ફ્લૂ જેવા લક્ષણો અનુભવતા હોય તો તેમણે ‘સુપરફ્લુ’ રોગચાળાની લહેર વચ્ચે વધુ ફેલાવાને રોકવા માટે ટ્યુબ, ટ્રેન અને બસ સહિતના પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઇએ નહિં અને ઘરે રહેવું જોઇએ. કારણ કે રાજધાની રેકોર્ડરૂપ સૌથી મોટા “સુપરફ્લુ” ફાટી નીકળવાનો સામનો કરી રહી છે.
તેમણે ભાર મૂક્યો હતો કે માસ્ક ફક્ત આંશિક સુરક્ષા આપે છે અને હળવા લક્ષણો ધરાવતા લોકોએ શક્ય હોય ત્યાં ઘરેથી કામ કરવા અને સંવેદનશીલ વ્યક્તિઓ સાથે સંપર્ક ટાળવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
NHS અભૂતપૂર્વ તકલીફનો સામનો કરી રહ્યું છે, લંડન એમ્બ્યુલન્સ સેવા દરરોજ લગભગ 7,000,999 કોલ્સ મેળવે છે. હોસ્પિટલોએ દર્દીઓને ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવા અને ફ્લૂના લક્ષણો અનુભવતા હોય તો મુલાકાત ટાળવા જણાવ્યું છે. વ્હિટિંગ્ટન હેલ્થ NHS ટ્રસ્ટે પુષ્ટિ આપી છે કે ઇમરજન્સી વિભાગો, વોર્ડ અને અન્ય ક્લિનિકલ વિસ્તારોમાં માસ્ક ફરજિયાત છે.
NHS પ્રોવાઇડર્સના ચીફ એક્ઝિક્યુટિવ ડેનિયલ એલ્કેલ્સે આ રોગચાળાને “ભરતીનું મોજુ” ગણાવ્યો છે જે શાળાના બાળકોમાં ફેલાતા અત્યંત ચેપી ઈન્ફલ્યુએન્ઝા A(H3N2) સ્ટ્રેન, જેને ‘સબક્લેડ K’ અથવા “સુપરફ્લુ” કહેવામાં આવે છે, તેના કારણે વધુ ખરાબ થયો છે.
આરોગ્ય વડાઓએ લાયક રહેવાસીઓને રસી લેવા અને અન્ય લોકોને રક્ષણ માટે ફાર્મસીઓને £15–£20 ચૂકવીને પણ રસી લેવા સલાહ આપી થે.
ટ્રાન્સપોર્ટ સેક્રેટરી હેઈડી એલેક્ઝાંડરે ક્રીસમસ પહેલા NHS ફ્લૂ અને હડતાળનો સામનો કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે ડોકટરોને હડતાળ પાછી ખેંચવાની અપીલ કરી હતી.













