અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિઝા નિયમો કડક કર્યા બાદ અમેરિકા અભ્યાસ માટે જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં લગભગ 70 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ અમેરિકા દ્વારા વિઝા અપોઇન્ટમેન્ટ સ્લોટ્સની ઉપલબ્ધતા પર મૂકવામાં આવેલો પ્રતિબંધ અને વિઝા રિજેક્શનના દરમાં અચાનક આવેલો વધારો છે. 1 જાન્યુઆરી, 2024ના ડેટા અનુસાર, અમેરિકા સહિત વિશ્વના જુદાં-જુદાં દેશોમાં કુલ 11.6 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થી ભણી રહ્યા છે.

સ્ટુડન્ટ વિઝાનું કામ કરતી કન્સલ્ટન્સી એજન્સીઓના જણાવ્યા અનુસાર, વર્ષના આ સમયગાળા સુધીમાં તો સામાન્ય રીતે મોટાભાગના વિદ્યાર્થીઓ તેમના વિઝા ઇન્ટરવ્યુ પૂરા કરી ચૂક્યા હોય છે અને અમેરિકા રવાના થવાની તૈયારીમાં લાગી જતા હોય છે. પરંતુ આ વર્ષે હજુ વિદ્યાર્થીઓ વિઝા અપોઇન્ટમેન્ટ સ્લોટ્સ મળવાની આશામાં અત્યાર સુધી માત્ર પોર્ટલ પર રિફ્રેશ જ કરી રહ્યા છે. આ છેલ્લાં કેટલાક વર્ષોની આ સૌથી ખરાબ સ્થિતિ છે. અમેરિકાના અધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે વિઝા સ્લોટ્સ તબક્કાવાર રીતે બહાર પાડવામાં આવશે, પરંતુ અત્યાર સુધી આ મામલે ઘણો ગૂંચવાડો છે અને આ કારણે વિદ્યાર્થીઓ પણ ખૂબ ચિંતાતુર છે.

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, જે વિદ્યાર્થીઓ શરૂઆતમાં જ વિઝા અપોઇન્ટમેન્ટ સ્લોટ બુક કરવામાં સફળ રહ્યા છે, તેમને પણ હજુ સુધી કન્ફર્મેશનનો જવાબ મળ્યો નથી. તેમણે એમ પણ કહ્યું કે, બુકિંગ કર્યા પછી પણ કોઈ પણ વિદ્યાર્થીને કન્ફર્મેશન મળ્યું નથી. આવી સ્થિતિમાં હવે ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરવાને બદલે બીજા દેશો તરફ વળી રહ્યા છે.

અમેરિકન સત્તાવાળાઓએ વચન આપ્યું હતું કે વિઝા સ્લોટ્સ તબક્કાવાર ધોરણે ખુલ્લા મૂકાશે. જો કે તેમા પણ ઘણી બધી વિસંગતતાના લીધે વિદ્યાર્થીઓ ચિંતિત છે. આ સિવાય જે વિદ્યાર્થીઓે સ્લોટ બૂક કરી દીધા હોય તેમને કન્ફર્મેશન મળતું નથી.

એક ફોરેન એજ્યુકેશન કન્સલ્ટન્સીના કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે કન્ફર્મ બૂકિંગ વગર સ્લોટ ઓપન કરવા પાછળનું તર્કબદ્ધ કારણ આપવામાં આવે તે જરૂરી છે. આજે તેના લીધે કેટલાય વિદ્યાર્થી બીજા દેશોમાં તેમનો વિકલ્પ ચકાસી રહ્યા છે. 23 વર્ષના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે હું હવે રાહ જોઈ શકું તેમ નથી. રાહ જોવામાં ક્યાંક મારે વર્ષ ગુમાવવું ન પડે. તેથી મેં મારી અરજી જ પડતી મૂકી છે. હવે હું જર્મનીમાં ઓટોમોટિવમાં માસ્ટરની સંભાવના ચકાસી રહ્યો છું.અન્ય એક કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં સ્લોટ નહીં ખૂલ્યા તો હજારો લોકોના સપના વિખેરાઈ જશે. આ સંજોગોમાં અમને તો અમેરિકા જતાં ભારતીય વિદ્યાર્થીની સંખ્યામાં 80 ટકા ઘટાડો થશે તેમ લાગે છે.અમને તો સ્ટુડન્ટ્સ અને તેમના માબાપના રોજ પેનિક કોલ આવે છે. આ લોકોના જીવ અધ્ધર થઇ ગયા છે.

આશ્ચર્યની વાત એ છે કે જે વિદ્યાર્થીઓએ માર્ચમાં અરજી કરી હતી અને ઇન્ટરવ્યુ સિક્યોર કર્યા હતા તે હાલમાં ઊંચો રિજેકશન રેટનો સામનો કરી રહ્યા છે.કેટલાય વિદ્યાર્થીઓ છે જેને લગભગ બધી જ એપ્રૂવલ મળી ગઈ હતી, તેમની અરજીઓ હવે અચાનક જ રિજેક્ટ કરવામાં આવી રહી છે. તેઓનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ક્લીન છે. તેનું એકમાત્ર કારણ તે આપવામાં આવે છે કે તેમને 214બી હેઠળ નકારવામાં આવ્યા છે.

યુએસ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની કલમ 214(બી) વિઝાના ઇન્કાર માટેનું એક સામાન્ય કારણ બની ગઇ છે. ભારતીય સ્ટુડન્ટ્સ માટે આ જોગવાઈ જાણે કે એક મુખ્ય અવરોધ બની છે. આ જોગવાઇ પ્રમાણે વિદ્યાર્થીએ તે પોતાનો અભ્યાસ પુરો થયે પોતાના દેશ પરત ફરશે એ અંગેના મજબૂત પુરવાઓ આપવાના હોય છે. જો તે તેમ ન કરી શકે તો આ જોગવાઇ હેઠળ તેને વિઝા આપવાનો ઇન્કાર કરવામાં આવે છે.

ડલ્લાસ ખાતેના ઇમિગ્રેશન કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે આ બધી બાબતો નવી નથી, પરંતુ તેનો અમલ હવે થઈ રહ્યો છે.
હૈદરાબાદ ખાતેની યુએસ કોન્સ્યુલેટે જણાવ્યું હતું કે સ્લોટ શરૂ થઈ ગયા છે અને વિદ્યાર્થીઓ એમ્બેસી કે વેબસાઇટ પર જઈ તેની એપોઇન્ટમેન્ટની ઉપલબ્ધતાની ચકાસણી કરી શકે છે. અમેરિકા જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામા જંગી ઘટાડાના કારણે અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓએ તેના સપોર્ટિંગ સ્ટાફની પણ હકાલપટ્ટી કરવી પડી શકે છે, જે એક બીજી કટોકટી છે.

LEAVE A REPLY