ભારતભરમાં એક તરફ અગનવર્ષા થઇ રહી છે તો બીજી તરફ કોલસાની અછત સર્જાતા વીજળીની કટોકટી ઘેરી બની છે. કોલસો ભરીને દેશભરમાં દોડતી માલગાડીઓને પ્રાથમિકતા મળે તે માટે ભારત સરકારે ખૂબ જ મહત્વનો નિર્ણય લઇને 657 પેસેન્જર ટ્રેનો રદ્ કરી હતી. ઈમરજન્સી રુટ બનાવીને માલગાડીઓ દ્વારા અછતગ્રસ્ત વિસ્તારોમાં કોલસો મોકલવામાં આવી રહ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે 10-10 કલાકનો વીજકાપ મૂકાતા લોકો પરેશાન થઈ ગયા છે. દેશના થર્મલ પાવર સ્ટેશનોમાં કોલસાની તંગી સર્જાઈ ગઈ છે. કેટલાય થર્મલ પાવર સ્ટેશનોમાં તો માત્ર 5થી 10 ટકા જ કોલસો ઉપલબ્ધ છે. ગણતરીના દિવસોમાં એ કોલસો ઉપયોગ થઇ જશે. આ થર્મલ સ્ટેશને કોલસાની સપ્લાય કરવા માટે માલગાડીઓને પ્રાથમિકતા અપાશે.
સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, બિહાર, ઝારખંડનો સમાવેશ થાય છે. તે સિવાય કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાતના થર્મલ સ્ટેશનોને પણ કોલસો પ્રાથમિકતાથી અપાશે. દેશના 13 રાજ્યોમાં વીજળીની કટોકટી સર્જાઈ છે. આકરા તાપના કારણે વીજળીની ડિમાન્ડ વધી ગઈ છે. અચાનક વીજળીની ખપત વધી હોવાથી કોલસો પણ વધુ વપરાવા લાગ્યો છે. તેના કારણે ભરઉનાળામાં કોલસાની અછત સામે આવી છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, તમિલનાડુ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં તો ગ્રામ્ય વિસ્તારોમાં 10-10 કલાકનો વીજકાપ ઝીંકાઈ રહ્યો છે. તેનાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે મંત્રાલયના અધિકારીએ કહ્યું હતું કે ઘણાં રાજ્યોમાં ટ્રેનો રદ્ થતાં વિરોધ થયો છે, પરંતુ અત્યારે સરકાર પાસે બીજો કોઈ વિકલ્પ નથી. સરકારની પ્રાથમિકતા થર્મલ પાવર સ્ટેશનોમાં કોલસાની અછત ન સર્જાય તે જોવાની છે. જેવી સ્થિતિ યથાવત થશે કે તરત પેસેન્જર ટ્રેનો નિયમિત થઈ જશે.