ગુજરાતની આર્થિક રાજધાની ગણાતું સુરત ડાયમંડ અને ટેક્ષટાઈલ ક્ષેત્રે વિકાસની નવી ક્ષિતિજો પાર કરી રહ્યું છે, જેમાં સુરતના ખજોદ વિસ્તારમાં નિર્માણ પામેલું ‘સુરત ડાયમંડ બુર્સ’ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્ન બનશે. આર્થિક વિકાસ માટે યશકલગી સમાન ડાયમંડ બુર્સ’ સુરતના હીરા ઉદ્યોગને એક નવી ચમક પ્રદાન કરશે. ૩૫.૫૪ એકર વિશાળ જગ્યામાં સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રીક્ટ(CBD) અને સામાજિક, વ્યાપારિક તથા શૈક્ષણિક માળખાગત સુવિધાઓ સાથે અતિમહત્વકાંક્ષી ‘સુરત ડ્રીમ સિટી’ પ્રોજેક્ટના ભાગરૂપે સાકાર થયેલા બુર્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭ ડિસેમ્બરે ખૂલ્લું મૂકશે.

અંદાજિત રૂ.૩૪૦૦ કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબના પ્રારંભ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના પ્રધાનો, ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લખાણી, ડાયરેક્ટર મથુરભાઈ સવાણી, ગોવિંદભાઈ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, સુરત ડાયમંડ ઈન્સ્ટીટયુટના ચેરમેન દિનેશભાઈ નાવડિયા, બુર્સ કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના માંધાતાઓ ઉપસ્થિત રહેશે.

સુરત ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં આગવી વૈશ્વિક ખ્યાતિ ધરાવે છે, ત્યારે આ બુર્સ સાકાર થતાં સુરત હવે ડાયમંડ ટ્રેડિંગનું પણ હબ બની જશે, એ સાથે જ સુરતની વિકાસગાથામાં વધુ એક પ્રકરણનો ઉમેરો થશે. બુર્સ બનાવવાનો મુખ્ય આશય ભારતમાંથી હીરા, જેમ્સ અને જ્વેલરીની આયાત નિકાસ અને વ્યાપારને પ્રોત્સાહન આપવાનો છે તેમજ ડાયમંડ પ્રોડક્શન અને બિઝનેસ સાથે સંકળાયેલી નાની મોટી કંપનીઓ, MSMEને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડાયમંડ ટ્રેડીંગનું ગ્લોબલ પ્લેટફોર્મ પૂરૂ પાડવાનો છે. ૧૭૫ દેશોના વેપારીઓને સુરતમાં પોલિશ્ડ ડાયમંડ ખરીદવાનું આગવું પ્લેટફોર્મ મળશે. વિશેષ વાત એ છે કે, કોઈ એક વ્યક્તિએ કે કંપનીએ નહીં, પરંતુ ૪,૨૦૦ વેપારીઓએ સાથે મળીને SDBનો વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ સાકાર કર્યો છે.

અગાઉ વિશ્વનું સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ અમેરિકાનું પેન્ટાગોન હતું, જે ૬૫ લાખ ચોરસ ફૂટનું બાંધકામ ધરાવે છે, પરંતુ હવે દુનિયાના સૌથી મોટા બિલ્ડીંગનું સ્થાન ગુજરાતના સુરતમાં ૬૭ લાખ ચોરસ ફૂટમાં નિર્માણ પામેલા ડાયમંડ બુર્સ બિલ્ડીંગે લઈ લીધું છે. એટલું જ નહીં, નવ ટાવરમાં પથરાયેલું આ બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ છે, અને નવીનીકરણ તેમજ ગ્રીન એનર્જીમાં સર્વોચ્ચ એવું પ્લેટિનિયમ ગ્રેડેશન પણ ધરાવે છે. સાથે જ વિશ્વની શ્રેષ્ઠ કહી શકાય તેવી તમામ સવલતો અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૌથી મોટો સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક-ચારણકા, અમદાવાદમાં સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ જેવા અનેક આયામોથી ગુજરાતની આગવી ઓળખ બની છે, એ જ રીતે હવે સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે. અહીં દેશવિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે. જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો પણ મળશે.

ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેકટેડ બિલ્ડીંગ છે. બુર્સની ૪૫૦૦થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે. દુનિયાભરના ડાયમંડ રો-મટિરિયલની હરાજી, રફ, કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, સ્ટડેડ જ્વેલરી, ડાયમંડ-ગોલ્ડ-સિલ્વર-પ્લેટિનમ જ્વેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્ઝ મોટી માત્રામાં અહીં ખરીદ-વેચાણ માટે ઉપલબ્ધ બનશે. અહીં ૨૭ ઈન્ટરનેશનલ જવેલરી શો-રૂમ નિર્માણ પામશે જેમાં દેશવિદેશથી આવતા વ્યાપારીઓ, તેમના પરિવારજનો ડાયમંડ જ્વેલરી ખરીદી શકશે. સુરતના હીરાઉદ્યોગમાં ૨ લાખ કરોડનો વેપાર થાય છે, ડાયમંડ બુર્સ સાકાર થતા તે વધીને ૪ લાખ કરોડ થવાની સંભાવના છે, એટલે કે માત્ર SDB થકી જ વર્ષે ૨ લાખ કરોડનો વ્યાપાર થશે. જેનાથી રાજ્ય અને કેન્દ્ર સરકારને ટેક્સની આવકમાં મોટો લાભ થશે.

બુર્સ ૧૩૧ હાઈ સ્પીડ લિફ્ટનું ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે, જેની સ્પીડ પ્રતિ સેકન્ડ ૩ મીટરની છે. લિફ્ટનું મેનેજમેન્ટ અત્યાધુનિક ડેસ્ટીનેશન કન્ટ્રોલ સિસ્ટમ વડે થશે. જેથી કોઈપણ વ્યક્તિને ૧૬માં માળ સુધી પહોંચવા માટે ત્રણ મિનિટ લાગશે. ૩૫.૫૪ એકરના સમગ્ર બુર્સ પરિસરમાં ૧૫ એકરમાં પંચતત્વ થીમ આધારિત ફક્ત ગાર્ડન એરિયા છે. આ બગીચો વાસ્તુશાસ્ત્ર મુજબ નવ ગ્રહોને આધિન બનાવાયો છે. એક પણ ઓફિસને સૂર્ય પ્રકાશ ન મળે એવું નહીં બને. આદર્શ આર્કિટેક્ચર મુજબ પૂરતું ગણાય એટલું બે ટાવર વચ્ચે અંતર હોવાથી તમામ ઓફિસોને પૂરતો હવા ઉજાસ સૂર્યપ્રકાશ મળી રહે છે. કોઈ પણ વ્યક્તિ વેપારી, મુલાકાતી બુર્સના ૯ ટાવર પૈકી કોઈ પણ ટાવરમાંથી એન્ટ્રી કરશે તો પણ કોઈ પણ ઓફિસમાં પહોંચવા માટે માત્ર ૩ મિનિટ લાગશે.
બુર્સના કોર કમિટી મેમ્બર અને પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે તા.૧૫/૦૨/૨૦૧૫ ના રોજ સુરતના મગદલ્લા પાસે, ખજોદ ખાતે ડ્રીમ સિટી (ડાયમંડ ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઈલ સિટી) પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. સાથોસાથ, ડ્રીમ સિટી પ્રોજેક્ટમાં સમાવિષ્ટ સુરત ડાયમંડ બુર્સ પ્રોજેક્ટનું પણ શ્રીમતી આનંદીબેન પટેલે ભૂમિપૂજન કર્યું હતું. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પણ બુર્સ ઝડપભેર સાકાર થાય એ માટે ઉમદા સહયોગ આપ્યો હતો.

LEAVE A REPLY

five + 15 =