અમેરિકાની 1 ઓગસ્ટની ટેરિફ સમયમર્યાદા પહેલાં ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરારની શક્યતાઓ ધૂંધળી બની છે. બંને દેશો વચ્ચે કૃષિ અને ડેરી પ્રોડક્ટ્સ પર ટેરિફમાં ઘટાડા અંગે વાટાઘાટોમાં મડાગાંઠ સર્જાઈ છે. અત્યાર સુધી બંને દેશો વચ્ચે પાચ રાઉન્ડની મંત્રણા થઈ છે અને આગામી રાઉન્ડની મંત્રણા માટે અમેરિકાનું પ્રતિનિધિમંડળ ઓગસ્ટમાં ભારત આવવાનું છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલમાં ભારતીય આયાત પર 26% ટેરિફ લાદવાની ધમકી આપી હતી પરંતુ વાટાઘાટો માટે તેનો અમલ સ્થગિત કર્યો હતો. આ ટેરિફ વિરામ 1 ઓગસ્ટના રોજ સમાપ્ત થાય છે, જોકે ભારતને હજુ સુધી ઔપચારિક ટેરિફ પત્ર મળ્યો નથીય
ભારતના મુખ્ય વાર્તાકાર રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં ભારતનું વેપાર પ્રતિનિધિમંડળ પાંચમા રાઉન્ડની વાટાઘાટો પછી કોઈ સફળતા વગર વોશિંગ્ટનથી પરત ફર્યું છે. પહેલી ઓગસ્ટ પહેલા વચગાળાનો સોદો મુશ્કેલ લાગે છે, જોકે વર્ચ્યુઅલ ચર્ચાઓ ચાલુ છે. ભારત સરકારના એક સૂત્રે જણાવ્યું હતું કે, વાટાઘાટો ચાલુ રાખવા માટે યુએસ પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં નવી દિલ્હીની મુલાકાત લે તેવી અપેક્ષા છે.
નવી દિલ્હી રાજકીય રીતે સંવેદનશીલ કૃષિ અને ડેરી ક્ષેત્રો ખોલવાનો ઇનકાર કરી રહ્યું હોવાથી વાટાઘાટો અટકી પડી છે, જ્યારે વોશિંગ્ટન સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટો પરના ઊંચા ટેરિફમાંથી રાહતની ભારતની માંગનો વિરોધ કરી રહ્યું છે. બીજા અધિકારીએ જણાવ્યું હતું કે કે આ મુદ્દાઓને ઊભા રાખીને વચગાળાની સમજૂતી કરી શકાય કે નહીં તે અંગેની શક્યતા ચકાસવામાં આવી રહી છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સોમવારે સીએનબીસીને જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર સમયમર્યાદા કરતાં વેપાર કરારની ગુણવત્તા વિશે વધુ ચિંતિત છે. વાટાઘાટો માટે ડેડલાઇન લંબાવી શકાય કે નહીં તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે આ અંગે પ્રેસિડન્ટે નિર્ણય કરવાનો છે.
