નાગપુરના ભોંસલે વંશના સ્થાપક અને છત્રપતિ શાહુ મહારાજના શાસનકાળ દરમિયાન મરાઠા સેનાના મહત્વપૂર્ણ સેનાપતિ રઘુજી રાજે ભોંસલેની ૧૮મી સદીની ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ તલવાર મહારાષ્ટ્ર સરકાર દ્વારા સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય હરાજીમાં ખરીદી લેવામાં આવી હતી.
મહારાષ્ટ્ર સરકારના સંસ્કૃતિ મંત્રી, એડવોકેટ આશિષ શેલારને લંડનમાં તલવાર સોંપવામાં આવી હતી. મહારાષ્ટ્ર સરકાર દ્વારા ખરીદાયેલી આ તલવારને જાહેર પ્રદર્શન માટે પુરાતત્વ અને સંગ્રહાલય નિયામકને સોંપવામાં આવશે.
“ખૂબ જ આનંદની ક્ષણ” ગણાવતા શેલારે કહ્યું હતું કે “તલવાર હવે અમારા કબજામાં છે! મહારાષ્ટ્ર સરકાર વતી, અમે લંડનમાં આ ઐતિહાસિક ખજાનાનો કબજો લઈ લીધો છે. અમે ટૂંક સમયમાં તેને મહારાષ્ટ્ર લાવીશું અને લોકોને જોવા માટે ઉપલબ્ધ કરાવીશું. હરાજીમાં બીડ કરવાથી લઇને તેનો હવાલો લેવા સુધી – મહારાષ્ટ્ર સરકાર અને યુકેમાં ભારતીય હાઇ કમિશનના અધિકારીઓ વચ્ચે કાળજીપૂર્વક સંકલન કરવામાં આવ્યું હતું.’’
શેલારે આ પ્રક્રિયામાં માર્ગદર્શન આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લંડનમાં ભારતીય હાઇ કમિશનના અધિકારીઓ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રીઓ એકનાથ શિંદે અને અજિત પવાર અને રાજ્યના સાંસ્કૃતિક બાબતના વિભાગના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
