Getty Images)

ભારતના પૂર્વ ક્રિકેટ અને લેજેન્ડરી બેટ્સમેન સચિન તેંડુલકરે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના પ્રસ્તાવિત ચાર દિવસીય ટેસ્ટ અંગે પોતાનો મત વ્યક્ત કર્યો છે. સચિને આઈસીસીના આ પ્રસ્તાવ અંગે કહ્યું કે, ‘હું ચાર દિવસીય ટેસ્ટ મેચની તરફેણમાં નથી અને ટેસ્ટ સાથે કોઈ ચેડાં ના થવા જોઈએ.’

આઈસીસીઆઈ 143 વર્ષ જૂની પાંચ દિવસની ટેસ્ટ ફોર્મેટને બદલીને ચાર દિવસની કરવાની દરખાસ્ત કરી છે. ચાલુ વર્ષે આ ફોર્મેટમાં ટેસ્ટ મેચો રમાડવા માટે વિચારણા પણ ચાલી રહી છે. આઈસીસી ટેસ્ટના દિવસો ઘટાડીને ટી20 ક્રિકેટ માટે વધુ દિવસો ફાળવવા માંગે છે. અગાઉ ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ પણ આઈસીસીના આ વિચારનો વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત રિકી પોન્ટિંગ, જસ્ટિન લેંગર અને નાથન લાયન સહિતના ક્રિકેટના દિગજ્જોએ ટેસ્ટ મેચ ચાર દિવસીય નહીં કરવા મત વ્યક્ત કર્યો હતો.

‘હું પરંપરાગત ટેસ્ટ મેચનો ચાહક છું અને મારા મતે ટેસ્ટ સાથે કોઈ ચેડાં ના થવા જોઈએ. વર્ષોથી જે રીતે ટેસ્ટ મેચો રમાઈ રહી છે તે મુજબ જ તેને રમાડવી જોઈએ.’ સચિનના મતે ટેસ્ટ મેચમાં એક દિવસ ઓછો કરવાથી બેટ્સમેનો આ ફોર્મેટને મર્યાદિત ઓવરની નવી આવૃતિ સમજશે.

વિશ્વમાં સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન સચિન તેંડુલકરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘ચાર દિવસીય ટેસ્ટ મેચમાં બેટ્સમેનને બીજા દિવસે એવું લાગશે કે તે મર્યાદિત ઓવરની નવી આવૃતિમાં રમી રહ્યો છે. બીજા દિવસના લંચ સુધીમાં તેને લાગશે કે હવે અઢી દિવસ જ બાકી રહ્યો છે અને તેનાથી વિચાર તેમજ ગતિશીલતામાં બદલાવ આવશે. આ ઉપરાંત સૌથી ચિંતાજનક બાબત એ રહેશે કે સ્પિનર્સ માટે એક જ દિસ બચશે. પાંચમો દિવસ સ્પિનર પાસેથી છીનવી લેવો એ પ્રથમ દિવસ ફાસ્ટ બોલર પાસેથી છીનવવા સમાન ગણાશે.’

સચિનના મતે ટેસ્ટનું વ્યવસાયિકરણ અને દર્શકોનું હિત સમજી શકાય તેમ છે પરંતુ આ એક ફોર્મેટમાં કોઈ બદલાવ ના કરતા તેને સાચા અર્થમાં બેટ્સમેનશિપ માટે યથાવથ રાખવી જોઈએ. પહેલા વન-ડે હતી અને હવે ટી20 તેમજ ટી10 છે જે દર્શકોનું મનોરંજન કરી શકે છે. થોડું પરંપરાગત પણ રાખવું જોઈએ જે ટેસ્ટ મેચ છે તેમ ક્રિકેટના માસ્ટરબ્લાસ્ટરે જણાવ્યું હતું.

ટેસ્ટ ક્રિકેટમાં બેટ્સમેનની ખરી કસોટી થાય છે અને બેટ્સમેન તરીકેના તમામ પરિબળોને ચકાસવા માટે જ ટેસ્ટ મેચ ખરો વિકલ્પ છે. ટેસ્ટ બે સત્રમાં સમાપ્ત નથી થતી અને એટલા માટે જ તેને ટેસ્ટ ક્રિકેટ કહેવાઈ છે. તેંડુલકરે અગાઉ અનેક વખત ટેસ્ટ માટે સારી પીચ તૈયાર કરવાની પણ તરફેણ કરી છે.