SGVP સંસ્થાના યજ્ઞપ્રિય, ભજનાનંદી સંતવર્ય પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી અક્ષરવાસી થતાં વૈદિક પરંપરા મુજબ પરમહંસો માટે અંતિમ સંસ્કાર બ્રહ્મમેધ સંસ્કાર સાથે અગ્નિ સંસ્કાર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ તીર્થધામ ગઢપુર ખાતે ઉન્મત ગંગાકિનારે અગ્નિ સંસ્કાર સંપન્ન થયો. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક મૂર્ધન્ય સંતોએ શ્રદ્ધા સુમન સાથે ભાવાંજલિ અર્પણ કરી. મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક પ્રધાનો શ્રદ્ધાંજલિ અર્પણ કરવા SGVP સંસ્થામાં ખાસ પધાર્યા હતા. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનામ્ સંસ્થાના પવિત્ર અને ભજનાનંદિ સંત પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી તારીખ ૧૨ એપ્રિલ ચૈત્ર સુદ એકાદશીના પવિત્ર દિવસે હરિસ્મરણ કરતા કરતા અક્ષરવાસી થયા હતા. પૂજ્ય પુરાણી સ્વામીના અક્ષરવાસથી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય એસજીવીપી સંસ્થા પરિવાર સહિત દેશ-વિદેશમાં વસતા સત્સંગ પ્રેમી ભક્તજનોમાં ઉંડા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. સંસ્થાનના અધ્યક્ષ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી માધવપ્રિયદાસજી અને સ્વામી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્વાનોની હાજરીમાં વૈદિક વિધિ સાથે વૈષ્ણવી પરંપરા પ્રમાણે પરમહંસ બ્રહ્મમેધ સંસ્કાર કરાયો હતો. આ પ્રસંગે ખાસ લંડનથી રવજીભાઇ હિરાણી, ગોવિંદભાઇ રાઘવણી, કરશનબાપા રાઘવાણી, ગોવિંદભાઇ કેરાઇ, શશીભાઇ વેકરિયા, તરુણ કાનાણી, યતિન પટેલ, પ્રદીપ પટેલ, દુબઇથી પ્રકાશભાઇ, અપૂર્વભાઇ, મહેન્દ્રભાઇ ધંધુકિયા અને આફ્રિકાથી કપુરચંદબાપા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.