પોર્ન ફિલ્મ કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ડટીમાં રહેલા ઇન્ડિયન બ્રિટિશ બિઝનેસ રાજ કુન્દ્રા સામે એક્ટ્રેસ-મોડલ શર્લિન ચોપરાએ જાતીય સતામણીનો આરોપ મૂક્યો છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, પોર્નોગ્રાફી કેસમાં પોતાનું નિવેદન નોંધાવા શર્લિન ચોપરા મુંબઈ ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલ સમક્ષ હાજર થઈ હતી. રિપોર્ટ અનુસાર, શર્લિન ચોપરાએ એપ્રિલ 2021માં રાજ કુન્દ્રા સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં શર્લિન ચોપરાએ 2019નો કિસ્સો જણાવ્યો હતો. રાજ કુન્દ્રાએ શર્લિનની બિઝનેસ મેનેજરને ફોન કરીને એક દરખાસ્ત માટે ચર્ચા કરવાનું કહ્યું હતું. 27 માર્ચ 2019ના રોજ બિઝનેસ મીટિંગ પૂરી થયા પછી રાજ કુન્દ્રા અગાઉથી જાણ કર્યા વગર શર્લિનના ઘરે પહોંચી ગયો હતો. શર્લિનનો દાવો છે કે, મેસેજમાં બોલાચાલી થયા બાદ રાજ તેના ઘરે આવી ચડ્યો હતો.

ફરિયાદમાં શર્લિને કરેલા દાવા પ્રમાણે, પ્રતિકાર કરવા છતાં રાજ તેને કિસ કરવા લાગ્યો હતો. શર્લિને એવો પણ દાવો કર્યો કે, તે કોઈ પરણેલા પુરુષ સાથે સંબંધ નહોતી રાખવા માગતી અને પર્સનલ-પ્રોફેશનલ લાઈફને મિક્સ કરવા નહોતી માગતી. ત્યારે રાજે કથિત રીતે શર્લિનને કહ્યું હતું કે, પત્ની શિલ્પા શેટ્ટી સાથેના તેના સંબંધો ગૂંચવણભર્યા છે અને ઘરે હોય છે ત્યારે તે ખૂબ તણાવ અનુભવે છે.