ટોકિયો પેરાલિમ્પિક્સમાં સોમવારે ભારતના સુમિત આંતિલે ભાલા ફેંકમાં વિશ્વવિક્રમ સર્જીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. (PTI Photo)

ટોક્યો પેરાલિમ્પિક્સમાં મંગળવારે (31 ઓગસ્ટ) ભારતીય એથલિટ્સે વધુ ત્રણ મેડલ હાંસલ કરી આ રમતોત્સવમાં ભારતના કુલ મેડલ્સની સંખ્યા 10 ઉપર પહોંચાડી હતી. જો કે, ભારત માટે સોમવાર (30 ઓગસ્ટ) નો દિવસ સૌથી વધુ સફળ રહ્યા હતો, તે દિવસે ભારતીય સ્પર્ધાકોએ બે ગોલ્ડ મેડલ સહિત પાંચ મેડલ હાંસલ કર્યા હતા અને એ રીતે ભારત માટે આ પેરિલિમ્પિક્સ ઐતિહાસિક રીતે સૌથી વધુ મેડલ્સ સાથે શ્રેષ્ઠ બની રહી છે.

મંગળવારે એમ. થાંગાવેલુએ પુરૂષોના હાઈજમ્પમાં સિલ્વર તથા શરદ કુમારે બ્રોંઝ મેડલ મેળવ્યા હતા. આ બન્ને અગાઉ પણ પેરાલિમ્પિક્સમાં મેડલ વિજેતા રહી ચૂક્યા હતા. તે ઉપરાંત શૂટીંગમાં સિંહરાજ અદાનાએ 10 મીટર એર પિસ્ટલની સ્પર્ધામાં બ્રોંઝ મેડલ મેળવ્યો હતો. ભારતે કુલ બે ગોલ્ડ, પાંચ સિલ્વર અને ત્રણ બ્રોંઝ મેડલ મેળવ્યા છે.
તે અગાઉ, સોમવારે પહેલા મહિલા શૂટર અવની લેખારાએ 10 મીટર એર રાઈફલ શૂટીંગમાં ગોલ્ડ અને પછી જેવેલિન થ્રોમાં (ભાલા ફેંક) સુમિત અંતિલે F64 કેટેગરીમાં વર્લ્ડ રેકોર્ડ સાથે 68.55 મિટરના અંતરે ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.

સુમિતે સોમવારે જ એકથી વધુ વખત પોતે સર્જેલો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. તેનો પાંચમો પ્રયાસ રેકોર્ડ અંતરે ગયો હતો, જ્યારે છઠ્ઠો અને છેલ્લો પ્રયાસ ફાઉલ થયો હતો.

તો રવિવારે ગુજરાતની મહિલા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે સિલ્વર મેડલ મેળવી ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું. તેના ઉપરાંત હાઈ જમ્પમાં નિષાદ કુમારે પણ સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો.

આ અગાઉ, પેરાલિમ્પિક્સમાં ભારત તરફથી મુરલીકાંત પેટકરે પુરૂષોની તરણ સ્પર્ધામાં 1972માં, દેવેન્દ્ર ઝાઝરિયાએ પુરૂષ ભાલા ફેંકમાં 2004 અને 2016માં તથા મરિયપ્પન થંગાવેલુએ પુરૂષના હાઈ જમ્પમાં 2016માં ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હતા.