અમેરિકામાં તંત્ર દ્વારા ઇમિગ્રેશન મુદ્દે કડક કાર્યવાહીના કારણે ઇમિગ્રન્ટ્સ સમાજમાં વિવિધ પ્રકારની ચિંતા વ્યાપી છે. ધ ન્યૂયોર્ક ટાઇમ્સ અને કૈસર ફેમિલી ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા ઇમિગ્રન્ટ્સ અંગેના સર્વે મુજબ, દેશના 27 ટકા જેટલા ગ્રીનકાર્ડ ધારકો અને અન્ય ઇમિગ્રન્ટ્સે જણાવ્યું હતું કે, તેઓ ઇમિગ્રેશન સત્તાધિશો સાથેના ઘર્ષણના જોખમને ઘટાડવા માટે દેશની અંદર અથવા વિદેશમાં મુસાફરી કરવાનું ટાળે છે. આ સર્વેના તારણો દર્શાવે છે કે, દેશમાં કાયદેસર રહેવાસીનો દરજ્જો ધરાવતા લોકોના રોજિંદા જીવનમાં પણ ઇમિગ્રેશન સંબંધિત ચિંતા જોવા મળી રહી છે. આ ઉપરાંત ઇમિગ્રન્ટ્સ વિદેશનો પ્રવાસ કરવામાં પણ ડરી રહ્યા છે. સર્વેમાં ઘણા ઇમિગ્રન્ટ્સે જણાવ્યું હતું કે તેઓ મર્યાદિત પ્રમાણમાં દેશમાં આંતરિક મુસાફરી કરે છે, તેઓ ફ્લાઇટ્સ, વાહન દ્વારા લાંબા અંતરનો પ્રવાસ અને અન્ય રાજ્યોની મુલાકાતે જવાનું ટાળી રહ્યા છે. આ પ્રકારની ચિંતામાં એરપોર્ટ પર પૂછપરછ થવાની, નિયમિત તપાસ દરમિયાન અટકાવવાની અથવા ડોક્યુમેન્ટ્સ યોગ્ય હોવા છતાં પણ વિલંબ થવા જેવી સમસ્યાનો સમાવેશ થાય છે. કેટલાક ઇમિગ્રન્ટ્સ બદલાતા નિયમો અંગેની અનિશ્ચિતતા અને વહીવટી ભૂલો થવાના ભયથી મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. ખાસ બાબત એ છે કે, આવી સતર્કતા એવા ઇમિગ્રન્ટ્સ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે જેઓ અમેરિકામાં રહેવા અને કામ કરવા માટેની કાયદેસરની માન્યતા ધરાવે છે.













