(ANI Photo/Mohd Zakir)

કોંગ્રેસે વ્યાપક આંતરિક વિચારવિમર્શ કર્યા પછી લોકસભા ચૂંટણી માટે ઇન્ડિયા ગઠબંધનના  પક્ષો સાથે કેટલાક રાજ્યોમાં બેઠકોની વહેંચણીની વાટાઘાટો શરૂ કરી છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓને ગઠબંધનના અન્ય નેતાઓનો સંપર્ક કરવાની સૂચના અપાય છે અને કેટલાક પક્ષો સાથે વાતચીત શરૂ થઈ ગઈ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે બેઠકોની વહેંચણી માટે ઔપચારિક વાટાઘાટો સોમવારે શરૂ થશે. બેઠકોની વહેંચણી અંગેની કોંગ્રેસની પાંચ સભ્યોની સમિતિ અગાઉ રાજ્ય કોંગ્રેસના વડાઓ સાથે આંતરિક મસલત કરી ચૂકી છે અને તેના તારણો પક્ષના વડા મલ્લિકાર્જુન ખડગેને સોંપી ચૂક્યા છે.

28 પક્ષોના બનેલા ઇન્ડિયા ગઠબંધનને લોકસભાની ચૂંટણીમાં એકજૂથ થઈને ભાજપને લડત આપવાનો નિર્ણય કર્યા પછી કોંગ્રેસે અન્ય સાથી પક્ષો સાથે બેઠક વહેંચણીના મુદ્દે મંત્રણા ચાલુ કરી છે. 2024માં ભાજપને હરાવવા માટે ઇન્ડિયા બ્લોકે લોકસભાની ચૂંટણીની બેઠકો પર એક જ વિપક્ષી ઉમેદવાર રાખવાની સંમતિ સાધી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ અન્ય પક્ષો સાથે બેઠકોની વહેંચણી પર કામ કરવા માટે વરિષ્ઠ નેતાઓને જવાબદારી સોંપી છે. કોંગ્રેસ તમિલનાડુમાં ડીએમકે, બિહારમાં આરજેડી અને જેડીયુ, ઝારખંડમાં જેએમએમ અને આસામમાં અન્ય પક્ષો સાથે ચૂંટણી પૂર્વે જોડાણ ધરાવે છે, પરંતુ મુખ્ય રાજ્યોમાં કેટલાક મુખ્ય પક્ષો સાથે જોડાણ નથી. બેઠક વહેંચણીની સમજૂતી કરવામાં કેરળ, પશ્ચિમ બંગાળ, દિલ્હી અને પંજાબ સૌથી મુશ્કેલ રાજ્યો માનવામાં આવે છે.

પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને ડાબેરીઓ વિપક્ષી ગઠબંધનનો હિસ્સો હોવા છતાં એકબીજા સાથે કોઈ ગોઠવણ કરવા માંગતા નથી અને તેથી કોંગ્રેસે તેમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે. ટીએમસી નેતાઓ અને કોંગ્રેસના પીસીસી વડા અધીર રંજન ચૌધરીના તાજેતરના નિવેદનો પણ રાજ્યમાં ટીએમસી અને કોંગ્રેસ વચ્ચે સંભવિત ભાગીદારી માટે સારા સંકેત આપતા નથી.

કેરળમાં કોંગ્રેસ પાસે રાજ્યના 20માંથી 19 સાંસદો છે અને સીપીઆઈ-એમ સાથેની સમજૂતી મુશ્કેલ લાગે છે. પંજાબમાં AAP અને કોંગ્રેસ બંનેના રાજ્ય એકમોને તેમની જીતનો વિશ્વાસ છે અને તેઓ બેઠક વહેંચણીમાં કોઇ બાંધછોડ કરવા તૈયાર નથી. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સરળતાથી સમજૂતી થાય તેવું લાગતું નથી. તાજેતરની મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં એક પણ બેઠક ન આપવા બદલ અને કમલનાથના નિવેદનોથી પક્ષથી સપા નેતા અખિલેશ યાદવ નારાજ છે.

LEAVE A REPLY

sixteen − 1 =