(@Axiom_Space on X via PTI Photo)

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર (ISS) 18 દિવસના રોકાણ પછી ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-4 મિશનના અન્ય ત્રણ અવકાશયાત્રીઓ મંગળવાર, 15 જુલાઈએ પૃથ્વી પર પરત આવ્યાં હતાં. પૃથ્વી પર પાછા ફરવાની 22.5 કલાકની મુસાફરી પછી ક્રૂ મેમ્બર્સ સાથેનું ડ્રેગન અવકાશયાન ભારતીય સમય મુજબ બપોરે 3:01 વાગ્યે કેલિફોર્નિયાના દરિયાકાંઠે નીચે ઉતર્યું હતું. ISS પરના તેમના મિશન દરમિયાન ગ્રુપ કેપ્ટન શુક્લાએ સાત માઇક્રોગ્રેવિટી પ્રયોગો કર્યા હતાં, જે અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતની વધતી જતી ક્ષમતાઓનું પ્રદર્શન કરે છે. શુકલાના આગમનની સાથે તેમના વતન લખનૌમાં ભારત માતા કી જય” ના નારા અને તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

ભારત અને શુભાશું શુક્લા માટે આ એક ઐતિહાસિક યાત્રા રહી છે. ૧૯૮૪માં તત્કાલીન સોવિયેત યુનિયનના સેલ્યુટ-૭ અવકાશ મથકના મિશનના ભાગ રૂપે રાકેશ શર્માના પથપ્રદર્શક અવકાશ ઉડાન પછી ISSની મુસાફરી કરનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી બન્યાં છે. તેઓ અવકાશમાં મુસાફરી કરનાર બીજા ભારતીય અવકાશયાત્રી પણ છે. શુક્લાની ISSની યાત્રા માટે ISROએ આશરે 550 કરોડ રૂપિયા ચૂકવ્યાં હતાં.

ગ્રુપ કેપ્ટન શુક્લાનું સ્વાગત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેમણે એક અબજ સપનાઓને પ્રેરણા આપી છે. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું તેમના ઐતિહાસિક અવકાશ મિશનમાંથી પૃથ્વી પરના પુનરાગમનનું સ્વાગત કરું છું. આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનની મુલાકાત લેનારા ભારતના પ્રથમ અવકાશયાત્રી તરીકે, તેમણે તેમના સમર્પણ, હિંમત અને ભાવના દ્વારા અબજો સપનાઓને પ્રેરણા આપી છે. તે આપણા પોતાના માનવ અવકાશ ઉડાન મિશન ગગનયાન તરફ વધુ એક સીમાચિહ્નરૂપ છે.

આ મિશનના ચાર અવકાશયાત્રીઓ સોમવારે પૃથ્વી પર પરત ફરવા માટે રવાના થયાં હતાં. શુક્લા ભારતીય સમય મુજબ સોમવારે બપોરે ૨ વાગ્યે ડ્રેગન અવકાશયાનમાં સવાર થયા હતાં અને બે કલાક પછી મુસાફરી ચાલુ કરી હતી. આ અગાઉ રવિવારે એક્સપિડિશન 73ના અવકાશયાત્રીઓએ એક્સિઓમ-4 ક્રૂ માટે પરંપરાગત વિદાય સમારંભનું આયોજન કર્યું હતું, આ મિશનમાં શુક્લા ઉપરાંત કમાન્ડર પેગી વ્હિટસન અને મિશન નિષ્ણાતો પોલેન્ડના સ્લાવોઝ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી અને હંગેરીના ટિબોર કાપુનો સમાવેશ થતો હતો. એક્સિઓમ-૪ મિશન મારફત ચાર દાયકાથી વધુ સમય પછી ભારત, પોલેન્ડ અને હંગેરીના અવકાશયાત્રીઓએ અવકાશમાં ગયા હતાં.

અવકાશમાંથી ભારત કેવું લાગે છે તેનું વર્ણન કરતાં શુકલાએ જણાવ્યું હતું કે “આજે ભારત ઉપરથી કેવું દેખાય છે તે જાણવા માટે આપણે બધા હજી પણ ઉત્સુક છીએ. આજ કા ભારત મહાત્વાકાંક્ષી દિખ્તા હૈ. આજ કા ભારત નિડર દિખ્તા હૈ, આજ કા ભારત કોન્ફિડન્ટ દિખ્તા હૈ. આજ કા ભારત ગર્વ સે પૂર્ણ દિખ્તા હૈ. આ બધા કારણોને કારણે, હું ફરી એકવાર કહી શકું છું કે આજનું ભારત હજુ પણ ‘સારે જહાં સે અચ્છા’ જેવું લાગે છે.”

ગુરુત્વાકર્ષણના પ્રભાવ હેઠળના પૃથ્વી પરના જીવનમાં પાછા ગોઠવાઈ જવા માટે ચારેય અવકાશયાત્રીઓ સાત દિવસ પુનર્વસનમાં સેન્ટરમાં રાખવામાં આવશે.

સ્પેસ એક્સના ફાલ્કન 9 રોકેટમાં બુધવાર, 26 જૂને ભારતના શુભાંશુ શુક્લા તથા હંગેરી, પોલેન્ડ અને યુએસના ત્રણ અન્ય અવકાશયાત્રી ઇન્ટરનેશન સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચ્યાં હતાં. શુભાંશુ શુકલાની આ સફર ભારતના મહત્ત્વકાંક્ષી અવકાશ કાર્યક્રમના ભવિષ્યની ઝલક છે. દેશ 2027 સુધીમાં સંપૂર્ણ સ્વદેશી ગગનયાન મિશન હેઠળ પ્રથમ માનવ અવકાશ મિશન મોકલવાની, 2035 સુધીમાં ભારતીય અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરવાની અને 2040 સુધીમાં ચંદ્ર પર અવકાશયાત્રીઓ મોકલવાની યોજના બનાવી રહ્યો છે.

એક્સિઓમ મિશન દરમિયાન તેમને થયેલા અનુભવો દેશના પ્રથમ સમાનવ સ્પેસ મિશન માટે મહત્વપૂર્ણ ઇનપુટ્સ પૂરા પાડશે. મિશનમાં એક્સિઓમ યાત્રીઓ આરોગ્ય, બાયોફાર્મિંગ અને કચરાના નિવારણ જેવા વિવિધ ક્ષેત્રોમાં સાત પ્રયોગો કર્યો હતો.

LEAVE A REPLY