અમેરિકાનો કોરોના મૃત્યુઆંક ૫૦ હજારને પાર થયો છે. અમેરિકા કોરોનાના કેસ અને મૃત્યુ બન્ને બાબતમાં આખા જગતમાં સૌથી ખરાબ સ્થિતિમાં છે. અમેરિકામાં કેસ નવ લાખ નજીક પહોંચ્યા છે અને અત્યાર સુધીમાં ૯૦ હજારથી વધારે દરદી સાજા થયા છે. સમગ્ર વિશ્વમાં કેસ ૨૬.૬૬ લાખથી વધારે અને મૃત્યુ ૧.૯૩ લાખથી વધારે નોંધાયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે આજે એવી પણ સલાહ આપી હતી કે હવે અમારો વિચાર જંતુનાશક દવાના ઈન્જેક્શન આપવા અંગેનો છે. તેમણે કહ્યું હતુ કે જંતુનાશકો વાઈરસને તુરંત ખતમ કરે છે. માટે તેના ઈન્જેક્શન લઈ લેવામાં આવે તો કોરોનાથી સાજા થઈ શકાય.
જોકે ટ્રમ્પની આ સલાહને અમેરિકામાં જ અનેક લોકોએ હાસ્યાસ્પદ ગણાવી હતી. સામાન્ય રીતે જંતુનાશક પ્રવાહી આપણા ઘરમાં ભોંયતળિયું, બાથરૃમ વગેરે સાફ કરવા વપરાતા હોય છે. ટ્રમ્પની આ સલાહ પછી અનેક કંપનીઓએ સ્પષ્ટતા કરી હતી કે અમારા જંતુનાશક પ્રવાહીનો કોઈ વ્યક્તિ પોતાના પર પ્રયોગ ન કરે. એ ઘાતક સાબિત થઈ શકે છે. જાણકારોએ ત્યાં સુધી કહ્યું હતુ કે શરીરની અંદર તો ઠીક, ચામડીને પણ જંતુનાશક પદાર્થ લાંબો સમય સ્પર્શે તો નુકસાન થઈ શકે છે.
ટ્રમ્પે વધુમાં કહ્યું હતુ કે અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) કિરણોના સ્પર્શથી પણ વાઈરસ મૃત્યુ પામે છે. પરંતુ હકીકત એ છે કે આ કિરણો પહેલા તો મનુષ્યના શરીરને મોટા પાયે નુકસાન કરી નાખે છે. માટે ટ્રમ્પની આ સલાહો અમેરિકા સહિત આખા જગતમાં હાંસીપાત્ર બની હતી. ટ્રમ્પે કહ્યુ હતુ કે વાઈરસ સીધો સૂર્ય પ્રકાશના સંપર્કમાં આવે તો તુરંત મૃત્યુ પામે છે. માટે ગરમી વધશે એ સાથે વાઈરસનો ખાત્મો થશે. જોકે ડોક્ટરો અને કોરોના પર સંશોધન કરનારા વિજ્ઞાાનીઓ કહી ચૂક્યા છે કે કોરોનાને ગરમી સાથે કોઈ સંબંધ નથી.
ન્યુયોર્કના ગવર્નરે આજે કહ્યું હતુ કે સ્થિતિ થોડી કાબુમાં આવતા હવે સપ્ટેમ્બર સુધીમાં જનજીવન રાબેતા મુજબનું થઈ જશે. અમેરિકામાં સૌથી વધુ કેસ ન્યુયોર્ક રાજ્યમાં છે. રાજ્યમાં ૨.૬૩ લાખથી વધારે કેસ નોંધાયા છે અને ૧૫ હજારથી વધારે મોત થયા છે. તો ન્યુયોર્ક શહેરમાં ૧.૫૭ લાખથી વધારે કેસ અને ૧૦ હજારથી વધારે મોત થયા છે. આ સંજોગો વચ્ચે પણ ટ્રમ્પે અમેરિકી અર્થતંત્ર ફરીથી કઈ રીતે ખુલ્લું મુકી શકાય તેની યોજના રજૂ કરી હતી. વાઈરસ સામે લડવા માટે ૫૦ અબજ ડૉલરના વધારાનુ ફંડ ફાળવવા પણ ટ્રમ્પે તૈયારી કરી લીધી છે.