અમેરિકાના કેટલાંક સાંસદોએ દેશની કોંગ્રેસ (સંસદ)માં એવો એક ખરડો રજૂ કર્યો છે જે કાયદાનું સ્વરૂપ લે તો અમેરિકાનું નાગરિકત્વ મેળવવાનું ભારતીયોનું વર્ષોનું સ્વપ્ન સાકાર થઇ શકે છે. આ ખરડો કાયદો બને તો અંદાજે 2 લાખ વિદેશીને તેનો લાભ મળી શકે તેમ છે.
આ 2 લાખ વિદેશીઓમાં સૌથી મોટો હિસ્સો ભારતીયોનો જ છે. પોતાના માતા-પિતા સાથે જે લોકો બાળક તરીકે કાયદેસર રીતે અમેરિકામાં આવ્યા હશે તેમને આ કાયદાનો સીધો લાભ મળશે.
અમેરિકાઝ ચિલ્ડ્રન એક્ટ કાયદેસરના દસ્તાવેજો ધરાવતા અને વર્ષોથી નાગરિકત્વ અને ગ્રીન કાર્ડ મેળવવાનું સ્વપ્ન જોતાં બાળકોને હાલના કાયદા મુજબ તેઓ 21 વર્ષના થાય ત્યાં સુધીમાં જો માતા પિતાને ગ્રીન કાર્ડ ના મળે તો અમેરિકામાં રહેવાનો અને જોબ કે બિઝનેસ કરવાનો અધિકાર રહેતો નથી, તેમણે અમેરિકા છોડી જવું પડે છે.
સેનેટર એલેક્સ પેડિલા અને રેન્ડ પોલે ગયા સપ્તાહે બુધવારે (15 સપ્ટેમ્બર) આ ખરડો રજૂ કર્યો હતો અને તેને ડિક ડર્બિન, ક્રિસ કૂન્સ તથા સુસાન કોલિન્સે સમર્થન આપ્યું હતું. કોંગ્રેસમાં મહિલા સભ્ય ડેબોરા રોસે પણ અગાઉ આ ખરડો નીચલા ગૃહમાં રજૂ કર્યો હતો.
ખરડો રજૂ કરતાં પેડિલાએ જણાવ્યું હતું કે, “આ ડોક્ટુમેન્ટેડ ડ્રીમર્સ તરફ આપણે પીઠ ફેરવી શકીએ નહીં. તેઓએ પોતાનું મોટા ભાગનું જીવન આ દેશમાં જ વિતાવ્યું છે, તેમણે પોતાના સમુદાયોમાં અને અમેરિકાના અર્થતંત્રમાં પોતાનો ફાળો આપ્યો છે, છતાં તેઓની સામે પોતાના ભવિષ્ય અંગે અનિશ્ચિતતા છવાયેલી રહે છે, એકવાર તેઓ 21 વર્ષના થાય તો પછી તેમના માટે અમેરિકા છોડી જવાની સ્થિતિ ઉભી થાય છે.”
આ યુવા પેઢીને પણ તેમનું અમેરિકામાં વસવાટ કરવાનું સ્વપ્ન સાકાર કરવાની તક મળવી જોઈએ, એના તેઓ હકદાર છે, કારણ કે તેઓ તો અમેરિકાને જ પોતાનું વતન ગણે છે. ગ્રીન કાર્ડનો બેકલોગ પુરો કરવામાં અમેરિકાની સરકારની નિષ્ફળતાનો દંડ આ લોકોને શા માટે ભોગવવો પડે?સત્તાવાર વિગતો મુજબ અમેરિકામાં 2019માં ઈમિગ્રન્ટ્સે ફેડરલ, રાજ્ય તથા લોકલ કરવેરા મળીને કુલ 492.4 બિલિયન ડોલર્સની રકમ ચૂકવી હતી.