અગ્રણી વિમાન ઉત્પાદક કંપની એરબસ આગામી સપ્તાહની શરૂઆતમાં ભારતની રાષ્ટ્રીય રાજધાનીમાં તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજશે.આ પહેલી વાર હશે જ્યારે એરબસ બોર્ડ ભારતમાં બેઠક કરશે. ભારત એરોસ્પેસ કંપની માટે એક મુખ્ય બજાર છે.
એરબસ ભારતમાં 1.4 બિલિયન ડોલરથી વધુ મૂલ્યની સેવાઓ અને કમ્પોનન્ટની ખરીદી કરે છે.ગુરુવારે એરબસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની ભારતના પ્રતિભા પૂલ, તેના સમૃદ્ધ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ અને તેના સ્પષ્ટ ‘મેક ઇન ઇન્ડિયા’ વિઝનમાં મોટી સંભાવના જુએ છે.ડિરેક્ટર બોર્ડની ભારત મુલાકાત એક મહત્વપૂર્ણ ક્ષણ છે અને આ દેશ તેના વૈશ્વિક કામગીરી માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે.
ભારતના નાગરિક ઉડ્ડયન અને સંરક્ષણ ક્ષેત્રોમાં નોંધપાત્ર હાજરી ધરાવતી એરબસ, H125 હેલિકોપ્ટર તેમજ C295 લશ્કરી વિમાન માટે બે ફાઇનલ એસેમ્બલી લાઇન્સ પણ સ્થાપિત કરી રહી છે. બંને એસેમ્બલી લાઇન ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ સાથે સ્થાપિત કરવામાં આવી રહી છે. એરબસ વેબસાઇટ મુજબ, બોર્ડમાં 12 સભ્યો છે, જેની અધ્યક્ષતા રેને ઓબરમેન કરે છે.ઇન્ડિગો અને એર ઇન્ડિયા સહિતની ભારતની એરલાઇન કંપનીઓએ એરબસને 1,000થી વધુ વિમાનોના ઓર્ડર આપ્યા છે.
