(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

હિન્દી ફિલ્મોના જાણીતા ગાયક સોનુ નિગમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સોનુ નિગમ દેશનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળવાની ખુશીમાં ખૂબ જ ભાવુક જોવા મળ્યો હતો. કલાના ક્ષેત્રમાં, સોનુ નિગમે તેની ગાયકી કૌશલ્યથી દેશને ગૌરવ અપાવ્યું, જેના માટે તેને સન્માન મળ્યું છે.

તેણે આ એવોર્ડ તેની માતા શોભા નિગમને સમર્પિત કર્યો છે. સોનુ નિગમે આ ખાસ અવસર પર તેની માતા અને તેના ગુરુજીને શ્રેય આપ્યો. સોનુ નિગમે કહ્યું- 26 જાન્યુઆરી આમ પણ મારા અને મારા પરિવાર માટે ખૂબ જ ખાસ હોય છે. મને આ સન્માન માટે લાયક ગણવા બદલ હું ભારત સરકારનો ખૂબ જ આભારી છું. સોનુ નિગમે કહ્યું- ‘હું મારા માતા-પિતાનો આભાર માનું છું. હું આ એવોર્ડ મારી માતાને સમર્પિત કરવા માંગુ છું. જો તે આજે અહીં હોત, તો તેની આંખો ભીની થઇ ગઇ હોત. આ પ્રસંગે, હું મારા ગુરુઓને હાથ જોડીને નમન કરવા માંગુ છું જેમણે મને ઘણું બધું શીખવ્યું. આજે હું જે કંઈ પણ જાણું છું તે તેમના કારણે જ જાણું છું. તેમના આશીર્વાદથી જ હું આજે અહીં છું. મારા મિત્રો, મારા સહકર્મીઓ, તેઓએ મને ખૂબ સપોર્ટ કર્યો, હું તેમનો પણ આભાર માનું છું. તે મારો આધાર બનીને થાંભલાની જેમ મારી પડખે ઊભા રહ્યા.

સોનુ નિગમે બોલિવૂડમાં અનેક યાદગાર ગીતોને સ્વર આપ્યો છે. તેણે હિન્દી સિવાય બીજી ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે. વર્ષ 2003માં સોનુ નિગમને ફિલ્મ કલ હો ના હોના ટાઈટલ માટે નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. સોનુ નિગમે આમિર ખાનની ફિલ્મ પીકેનું ગીત ‘ભગવાન હૈ કહાં તુ’ ગાયું હતું, આ ગીત માટે તેને ચાહકોએ ખૂબ વખાણ્યો હતો. અગ્નિપથનું ગીત ‘અભી મુઝ મેં કહીં’ ચાહકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. આ સિવાય ફિલ્મ કભી ખુશી કભી ગમનું ગીત ‘સૂરજ હુઆ મધ્ધમ’ આજે પણ એક આઇકોનિક ગીત છે.